Friday, January 21, 2022

ધ્યાન થી સાંભળો તો...

ધ્યાન થી સાંભળો તો દરેક ઘરનું બારણું કંઈક કેહતું હોય છે,

કોઈ ખડખડાટ હાસ્ય તો કોઈ ભેદી રુદન સાચવતું હોય છે

ધ્યાન થી સાંભળો તો.....


કયાંક જૂની કોતરણી જાણે ખાનદાની વારસો સાચવતું

તો ક્યાંક નવી સજાવટ જાણે આજ ની પેઢી નું માન જાળવતું

કોઈ જર્જરીત હાલતમાં જાણે પોતાની નવાબી યાદ કરતું હોય છે

ધ્યાન થી સાભળો તો....


કોઈ અમીરી નો દેખાવ કરતું, કોઈ મધ્યમ વર્ગ નો સંઘર્ષ બતાવતું,

તો કોઈ ગરીબી ને ઢાંકી જાણે પરિસ્થિતિ ને રફુ કરતું હોય છે,

ધ્યાન થી સાભળો તો...


કયાંક તુલસી નો ક્યારો, તો ક્યાંક પગરખા નો સથવારો,

કોઈ બાગ બગીચા થી સજજ તો ક્યાંક પંખીઓ નો માળો,

દરેક ઘર ની રૂઢી પ્રમાણે ના એના શણગાર હોય છે

ધ્યાન થી સાંભળો તો....


કયાંક હસતી સવાર તો કયાંક અશ્રુ ભીની સાંજ,

ક્યાંક પરિવાર નો સાથ તો ક્યાંક એકાંત રાત,

ક્યાંક પારીવારિક કલબલાટ તો ક્યાંક ભેંકાર શાંતી હોય છે

ધ્યાન થી સાંભળો તો દરેક ઘરનું બારણું કંઈક કેહતું હોય છે...